(ઢાળ-ગરબી)
રેંટિયો તે રિદ્ધ ને સિદ્ધ, મારા વાલા;
કાંતે કુળવંતી નારી રેંટિયો રે. ટેક.
મારા રેંટિયામાં છે નવે નિધ, મારા વાલા; કાંo ૧
જી રે પૂર્વ સંચિત પાકા સાગનો રે,
હેના સુક્ર ને સોણીત બે સુથાર; મારા વાલા; કાંo ૨
જી રે સુરતા સોહાગણ સુંદરી રે,
એનો અવિનાસી છે ભરથાર; માo; કાંo ૩
રૂડી પાંચ તત્વની કીધિ પાટલી રે,
એની થાંભલી છે પ્રાણ ને અપાન; માo; કાંo ૪
ઝેના ચિત્ત રે ચમરખાં ચોડિયાં રે,
એના તોરણિઆ શશિયર ભાણ; માo; કાંo ૫
એની દોરી બાંધી તે દિલસુદ્ધની રે,
એના દાવડાનો દીનકાર; માo; કાંo ૬
એની ત્રાંક સુધારી સુષુમણા રે,
એની મુળકુંડળની માળ; માo; કાંo ૭
એની ઘોણી અવસ્થા ચારની રે,
એના રેણુ થયા છે ગુણ ત્રણ; માo; કાંo ૮
એની બુદ્ધિ ગ્રહી તે મન માકડી રે,
મટ્યો પૂરી ફેરાનો ત્રાસ; માo; કાંo ૯
સદગુરુ શબ્દે સમારિયો રે,
એનો આરો અખંડ અભ્યાસ; માo; કાંo ૧૦
જી રે શ્રુતી ને સ્મૃતિ તેલ ઉંજિયું રે,
પૂર્યો લોભ તૃષ્ણાનો લોટ; માo; કાંo ૧૧
બેઠી મન રે નિશ્ચળ કેરી માચીએ રે,
ખાંતે કાંતિએ નહિ આવે ખોટ; માo; કાંo ૧૨
એની પૂરતી ચંચળતા ચારની રે,
મટ્યું અવિદ્યાનું આવર્ણ; માo; કાંo ૧૩
જી રે પૂણી ગૃહી તે નિજ પ્રેમની રે,
ભરી સોહમ્ ચપટી સાર; માo; કાંo ૧૪
જીરે ઓહમ્ અખંડ અંકોરથી રે,
હેનો તૂટી ના શકે તાર; માo; કાંo ૧૫
હેનું મન રે પૂરી રહ્યું ફાળકો રે,
ઉણ્યું અનુભવ વસ્તુ વિવેક; માo; કાંo ૧૬
જી રે સતસંગ જળથી પુંકારિઓ રે,
વાળી આંટી અનેકની એક; માo; કાંo ૧૭
કોઈ સંત રે સુતરિએ સુતર મૂલવ્યું રે,
આવ્યો લાભ અખંડ આનંદ; માo; કાંo ૧૮
એ તો લોભાઈ ન ભૂસખી લક્ષમા રે,
થઈ મટ્યું તે સરવે દર્દ; માo; કાંo ૧૯
સ્રોત
- પુસ્તક : નભૂવાણી (પૃષ્ઠ ક્રમાંક 68)
- સર્જક : નભૂલાલ દ્યાનતરાયજી દ્વિવેદી
- પ્રકાશક : ભટ્ટ નરભેરામ પ્રાણશંકર ગોગા
- વર્ષ : 1903