jalti diwDi - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જલતી દીવડી

jalti diwDi

દલપત પઢિયાર દલપત પઢિયાર
જલતી દીવડી
દલપત પઢિયાર

જલતી દીવડી રે માઝમ રાત,

કોઈ મારી નજર ઉતારો.

નજર ઉતારો મારી છાંયા ગળાવો,

ઓરડે ઉછીના અંજવાસ...

કોઈ મારી નજર ઉતારો.

ફૂલનો પછોડો ને નકલંકી દોરો,

તોરણ લીલાં ને કાંઠે કુંભ સ્થાપ્યો કોરો;

અમે વાતો માંડી ને ઊછર્યા બાગ...

કોઈ મારી નજર ઉતારો.

રંગભર્યા દરિયા શેં ચંપો ઉદાસી?

ચડતી ચાંદરણી ને છલતી અગાસી,

અમે હેલે-હલકે વણસ્યાં વિસરામ...

કોઈ મારી નજર ઉતારો.

ઊંબર આડો ને અટકે ઈંદર અસવારી,

પરોઢે પાછું ફરતી ઘેનની પથારી,

અમે સેંથે-શમણે સળગ્યાં સવાર...

કોઈ મારી નજર ઉતારો.

સ્રોત

  • પુસ્તક : ભોંયબદલો (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સર્જક : દલપત પઢિયાર
  • પ્રકાશક : નક્ષત્ર ટ્રસ્ટ
  • વર્ષ : 1982