aapo to aapo re amne nawDi - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આપો તો આપો રે અમને નાવડી

aapo to aapo re amne nawDi

મધુમતી મહેતા મધુમતી મહેતા
આપો તો આપો રે અમને નાવડી
મધુમતી મહેતા

આપો તો આપો રે અમને નાવડી,

આપો આપો દરિયાલાલ;

ડૂબ્યાં તો મઝધારે તળિયાં તાગશું,

તર્યા તો ઊતરશું ભવપાર.

આપો તો આપો રે એક નાવડી...

આપો તો આપો રે એક સાંઢણી,

આપો માથે માઝમરાત;

ઝાંખે રે અજવાળે જાશું પાંસરા,

જાવું એને રે દરબાર.

આપો તો આપો રે એક સાંઢણી...

આપો તો આપો રે લેખણ લાકડી,

માથે સરસતીના હાથ;

લોહીને ટશિયે રે લખવાં નોતરાં,

ઈને દેશું હાથોહાથ.

આપો તો આપો રે લેખણ લાકડી...

આપો તો આપો રે કેડી સાંકડી,

આપો ડુંગરાની ધાર;

પીગળતે પંડ્યે રે પગલાં માંડશું,

ના ક્યાંય પહોંચ્યાની દરકાર.

આપો તો આપો રે કેડી સાંકડી...

સ્રોત

  • પુસ્તક : નામ તારું રુદ્રાક્ષ પર (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સર્જક : મધુમતી મહેતા
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2013