ratan phool - Geet | RekhtaGujarati

(પહેલી કડી લોકગીતની)

એક ઝાડ માથે ઝૂમખડું

ઝૂમખડે રાંતાં ફૂલ

ભમર રે રંગ ડોલરિયો.

એક ડાળ માથે પોપટડો

પોપટડે રાતી ચાંચ

ભમર રે રંગ ડોલરિયો.

એક પાળ માથે પારેવડું

પારેવડે રાતી આંખ

ભમર રે રંગ ડોલરિયો.

એક મો'લ માથે મરઘલડો

મરઘડલે માંજર લાલ

ભમર રે રંગ ડોલરિયો

એક નાર માથે ચૂંદડલી

ચૂંદડીએ રાતી ભાત્ય

ભમર રે રંગ ડોલરિયો

એક માત-કાખે બાળકડું

બાળકના રાતા ગાલ

ભમર રે રંગ ડોલરિયો.

એક બેન માથે સેંથલિયો

સેંથલિયે લાલ હિંગોળ

ભમર રે રંગ ડોલરિયો.

એક ગોખ માથે ભાભલડી

ભાભજના રાતા દાંત

ભમર રે રંગ ડોલરિયો.

એક પ્હાડ માથે પાવળિયો

પાવળિયે લાલ સિંદોર

ભમર રે રંગ ડોલરિયો

એક આભ માથે ચાંદરડું

ચાંદરડે રાતાં તેજ

ભમર રે રંગ ડોલરિયો.

એક સિંધુ પાળે સાંજલડી

સાંજડીએ રાતા હોજ

ભમર રે રંગ ડોલરિયો.

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 234)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997