rangbhed - Geet | RekhtaGujarati

રંગભેદ

rangbhed

અનિલ જોશી અનિલ જોશી
રંગભેદ
અનિલ જોશી

કાળો, વર્સાદ મારા દેશમાં નથી

કે નથી પીળો વર્સાદ તારા દેશમાં

આપણે તો નોધારા ભટકી રહ્યા છીએ

ચામડીના ખોટા ગણવેશમાં

ઘટાદાર જંગલમાં દેશવટો ભોગવતો

હરિયાળા રંગનો નવાબ

રેતના અવાવરુ કૂંડામાં સ્હેજ તો

આંખ્યથી ઉગાડ્યું ગુલાબ

સંતરાની છાલ જેવો તડકો વરસે છે

બધે મારા કે તારા પરદેશમાં

કાળો વર્સાદ મારા દેશમાં નથી

કે નથી પીળો વર્સાદ તારા દેશમાં

કાળો માટીમાં મ્હોર્યો લીલોછમ બાજરો

ને કાળી છાતીમાં ગોરાં ધાવણ

પાંદડાંની જાળીએથી લીલાછમ બાલમુકુંદ

નીકળી ગયા ને બેઠો શ્રાવણ!

ધોબીપછાડથીયે ઊજળા થયા નહીં

તો ગોરા થઈ જઈએ હવે કેશમાં

કાળો વર્સાદ મારા દેશમાં નથી

કે નથી પીળો વર્સાદ તારા દેશમાં

સ્રોત

  • પુસ્તક : કદાચ (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સર્જક : અનિલ જોશી
  • પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
  • વર્ષ : 1987