નર્મદ
Narmad
રંગડ ઊંચા હો, લડતાં ઊંચ રહેજી.
અતી ધીરથી અકળાઈને, નીચિ રીત નવ ધરતો;
જીત થયે તે ઢંકાશે કહી, સાહસડું નવ કરતો - રં...
ધીરજ ધરીને હાર પામજે, છળથી જસ તે ખોટો;
ધીરજ શસ્ત્રે ઊંચપણાંને, ટકાવવે જસ મોટો - રં...
સમરાંગણમાં સુભટ સહુને, બે સાચવવાં પડતાં;
લડવાનું બળ ઊંણું ન થાયે, બીજું ઊંચપણ પડતાં - રં...
દ્રોહ આર્જવ નિંદા ક્રૂરતા, એથી ન જય મેળવતો;
ત્રણ તાપે રીબાઈ મરજે, રખે ઉંચપણ હણતો - રં...
ઉપરી હક તુજ હરી લઈને, કરે અન્યનું રૂડું;
સીપાઈ છું તૂં ગમતું કર પણ, નહીં જ દેશનું ભૂડું - રં...
સરવસ ખોજે લાંઘણ કરજે, નાગો ભાંયે સૂજે;
નિજ પર મર્મ ન બ્હાર કહાડતો, એ ઘા કદી નવ રૂઝે - રં...
કુલીનપણાંની ધીરજ મૂકતાં, ઘા તો નિજ પર થાએ;
નીચ તુકમને કંઈ નવ લાગે, ઉલટું બ્હેકી જાએ - રં...
ગરજુ થઈ જાચીશ નહિં કેથે, પાડ ન રાખિશ કહાંનો;
ઘટિત ઉદાર તું થજે શત્રુ પર, ટેક એ ઊંચપણાંનો - રં...
રાખી ઊંચપણ લડ જુક્તિએ, સાધન કામ લગાડી;
રંગડતા ફક્કડ દરસાવી, જસ લે ઉજળો પ્હાડી - રં...
નબળાનું રક્ષણ કરવાને, સબળાસું મળ ભાઈ;
હાર થયે જન હસે તેથિ તૂં, પામ ન ગ્લાનિ કાંઈ - રં...
હાર થયે નવ હોંસ મૂક પણ, ખંતે મથિ મથિ લડજે;
જીત કરી શ્રમ સફળ તું જોજે, અથવા રણમાં પડજે - રં...
જુની પ્રતિકુળ રીત રાખવે, કુળ મોટપ નવ ધારે;
દેશકાળની કુમક લઈને, નવી રીત સ્વીકારે - રં...
ઘાયલ પણ નિસ્તેજ બ્હારથી, અંદર છે તેજાળું;
નર્મદ જહાં ઉજળી રજપૂતી, ત્યાં જ દેશહિત ભાળું - રં...
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 147)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
