radhikasandesh - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાધિકાસંદેશ

radhikasandesh

બાલાશંકર કંથારિયા બાલાશંકર કંથારિયા

(રાગ મોસાળાનો)

આવ્યા દા’ડલા દિવાળી કેરા, પંથી ઘેર પધારે ઘણેરા,

નાથ થાવ આમ નમેરા, મોહન વ્હેલા આવજો મથુરાંથી.

મારી સખીઓ સાસરીએ સીધાવી,

મારી ભાભીઓ પણ આંણે આવી,

વાટ જોઇ જોઇ હું વાજ આવી,

મોહન વ્હેલા આવજો મથુરાંથી.

છેવટ સસરાજીને મોકલાવી, મને બીજે આંણલિયે બોલાવી,

લોકલજજા સાસુજીને આવી,

મોહન વ્હેલા આવજો મથુરાંથી.

વળી એમણે જે જે કહાવ્યું, મારી માડીએ તે તે કરાવ્યું,

જાણે રખેને રસિક પાડે વાંકું,

મોહન વ્હેલા આવજો મથુરાંથી.

રૂડી રચશું આપણુ દીપમાળ, કરશું મેડી ઝાકઝમાળ,

આજ શોભે થાવું રીસાળ,

મોહન વ્હેલા આવો મથુરાંથી.

પૂછી જોજો ઉદ્ધવને તમારા, હાલ શા થયા છે અહીં મારા,

જાવ જાવ શું જીવણ થાઓ ન્યારા,

મોહન વ્હેલા આવજો મથુરાંથી.

લોક લૈ પૂઠે વાત કરે છે, સગાંસાગવાં ટોળ કરે છે,

મારાં સાસુજી નયણાં ભરે છે,

મોહન વ્હેલા આવજો મથુરાંથી.

પ્રીતમ પરણી પરાણે તમોને, જોયો વિચાર્યો નહીં તે સમોને,

શીદ પાતળીઆ પજવો અમોને,

મોહન વ્હેલા આવજો મથુરાંથી.

ભણાવીને મોકલિયા ઉદ્ધવને, ખોટા દીલાસા દેવાને અમને,

જાવ જાવ શું જાદવ કહીએ તમને,

મોહન વ્હેલા આવજો મથુરાંથી.

કાળા માત્ર નવીનનાં વિહારી, તો જાણે પ્રીત વધારી,

તજે પેાતાનાં કારજ સારી,

મોહન વ્હેલા આવજો મથુરાંથી. ૧૦

પગે લાગી લાગી રાખી ઘેરી, કરતા પાતળીઆ પળશી ઘણેરી,

ફાટયું ગુમડું વૈધ થયો વેરી,

મોહન વ્હેલા આવજો મથુરાંથી. ૧૧

મારી માતાએ બહુ બહુ વારી, લોક કહેતા કપટી મોરારી,

તોય તમને વરી ગિરિધારી,

મોહન વ્હેલા આવો મથુરાંથી. ૧૨

પ્હેલાં અનહદ પ્રીત બતાવી, પ્રેમ ફાંસામાં ફાંસુ ફસાવી,

જતાં મથુરાં શું પ્રીત પલટાવી,

મોહન વ્હેલા આવજો મથુરાંથી. ૧૩

અહીં મેં હીરનાં ચીર મગાવી, કાચા કીરમજી રંગે રંગાવી,

કોરો મોતી ને મણીએ ટંકાવી,

મોહન વ્હેલા આવજો મથુરાંથી, ૧૪

હીરા મોતીના હાર ગુંથાવ્યા, સાળુ સાડી ને કમખા કરાવ્યા,

ત્યારે રસિક શું આપ રીસાયા,

મોહન વ્હેલા આવજો મથુરાંથી. ૧પ

હોળી ચોળી અંબોડલા વાળી, પત્રરચનાઓ રચતા રૂપાળી,

જોતા અમને જાદવ ન્યાળી ન્યાળી,

મોહન વ્હેલા આવજો મથુરાંથી. ૧૬

પગ ખોળામાં લઇ બુટ્ટા વાળી અળતે વેલો ચિતરતા રૂપાળી,

લેતી સખી હસી હસી તાળી,

મોહન વ્હેલા આવજો મથુરાંથી. ૧૭

આંખ રજ ફુંકી નાંખવા માટે, કિંવા બિંદગી કરવા લલાટે,

ભૂધર ભેટતા યમુનાને ઘાટે,

મોહન વ્હેલા આવજો મથુરાંથી. ૧૮

એકવાર વૃંદાવન આવી, મને વિષ પાઈ શયન સુવારી,

ભલે જાજે પછી ગિરધારી,

મોહન વ્હેલા આવજો મથુરાંથી. ૧૯

સ્રોત

  • પુસ્તક : ક્લાન્ત કવિ (પૃષ્ઠ ક્રમાંક 153)
  • સંપાદક : ઉમાશંકર જોષી
  • પ્રકાશક : ગૂજરાત સાહિત્ય સભા
  • વર્ષ : 1942