radhana gussanun geet - Geet | RekhtaGujarati

રાધાના ગુસ્સાનું ગીત

radhana gussanun geet

ઘનશ્યામ ઠક્કર ઘનશ્યામ ઠક્કર
રાધાના ગુસ્સાનું ગીત
ઘનશ્યામ ઠક્કર

મળવાનું મન પહોંચ્યું જોજનવા દૂર તો ય ખેંચાતી જાઉં છું પછીતે

ગોકુળમાં ઓળખેલ શામ! તને દ્વારકામાં ઓળખી શકીશ કઈ રીતે?

ઝાંઝરશાં ગણઝણતાં ડોલતાં કદંબ

આજ ડોલે તો રણકે છે હીરા!

વનરા તે વંન મહીં કાંટળી બોરડીને

ભેટતાં ય પડતા’તા ચીરા?

કોને કહું સમણામાં તારા એ આરસના

ચોકમાંય ચાલતાં શું વીતે!

તારી સંગાથ ગ્રહ્યો ગોવર્ધન,

આજ તારા પીંછાનો ભાર તે ખમાય ના.

ધગધગતો હેમ-રસ વ્હેતો દેખાય

એવી જમુનાને કાંઠે રમાય ના.

છેવટ જો રણશીંગાં ફૂંકવાં હતાં તો

કેમ વીંધી તે વાંસળીનાં ગીતો?!

ગોકુળમાં ઓળખેલ શ્યામ તને દ્વારકામાં

ઓળખી શકીશ કઈ રીતે?

સ્રોત

  • પુસ્તક : ભૂરી શાહીના કૂવા કાંઠે (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : ઘનશ્યામ ઠક્કર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987