વિરહિણી રાધા
virhinii raadhaa
પીયૂષ પંડ્યા 'જ્યોતિ'
Piyush Pandya 'Jyoti'

ચાહું તને પણ બોલું નહીં,
અંતરની વેદનાની વાણી ખોલું નહીં,
સપનાંની સૃષ્ટિને છોડું નહીં,
કાન! બોલું નહીં...
તેજે ભરેલ ભીની રઢિયાળી રાતમાં
યમુનાનાં નીર ગાય હૈયાનાં ગીતડાં,
ઉરે ઊભરાતા ભાવ છેડું નહીં,
ચાહું તેને પણ બોલું નહીં,
કાન! બોલું નહીં...
ગોકુળની ગલીએ ને વૃંદાની કુંજ કુંજે
ગુંજી રહે છે તારી વાંસળીના સૂર મીઠા,
વિરહાની જ્વાળમાં બળતી રહું,
ચાહું તને પણ બોલું નહીં,
કાન! બોલું નહીં...



સ્રોત
- પુસ્તક : નિમિષ (પૃષ્ઠ ક્રમાંક 98)
- સર્જક : પીયૂષ પંડ્યા 'જ્યોતિ'
- પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
- વર્ષ : 1979