મોરપિચ્છ
morpinchh
મકરંદ દવે
Makrand Dave

માધવ મોરપિચ્છ અવલોકે,
વારંવાર કંપિત કરથી ધરતા વિરહાકુલ શોકે.
આતુર અપલક રાધા કેરી ઝાંખી ઉરે જગાડી,
મોરપિચ્છ મહીં અનુખન નીરખે અંકિત આંખ ઉઘાડી.
ઝીણી ઝલમલ તંતુ તંતુ પર સોહે સ્વર્ણિમ છાયા,
નયન તરે સંકોચે સરતી કોમળ કાંચન-કાયા.
પ્રાણે પૂર્ણ વણાઈ નીલિમા નિખિલ નીલમણિ કેરી,
પાગલ નૃત્ય કરી કરી ખરવું શ્યામ વદનઘન હેરી.
મોરપિચ્છ નિજ શિરે લગાવત ધારી પ્રેમ અગાધા,
માધવ ડોલત વન વન કુંજે બોલત રાધા! રાધા!



સ્રોત
- પુસ્તક : મકરન્દ-મુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 20)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 2003
- આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ