રાતરાણી ને સૂરજમુખી
raatrani ne surajmukhi
સુરેશ દલાલ
Suresh Dalal
સુરેશ દલાલ
Suresh Dalal
રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં :
સૌરભભીનો સૂર લઈને વનપંખીઓ બોલ્યાં!
કાજળનો દૂર કરી કામળો
જાગી ઊઠ્યા પ્હાડ;
પડછાયા લઈ પોઢ્યાં'તાં એ
પ્રકટી ઊઠ્યાં ઝાડ.
સમણાંનાં આ બુંદ બુંદને પાંદડીઓએ ઢોળ્યાં :
રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં!
અંધકારનો દરિયો ડૂબ્યો
કિરણ કિરણના કાંટા;
દરિયારણને કાંઠે સમણાં
વમળ વિશે અટવાતાં.
આંસુ ને સ્મિતના સરવરમાં નયનકમળ આ કોળ્યાં :
રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં!
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 31)
- સંપાદક : નિરંજન ભગત
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
- વર્ષ : 1980
