raatdivas ni ghatna - Geet | RekhtaGujarati

રાતદિવસની ઘટના

raatdivas ni ghatna

સુરેશ દલાલ સુરેશ દલાલ
રાતદિવસની ઘટના
સુરેશ દલાલ

મારી રાતદિવસની દિવસરાતની રાતદિવસની ઘટના :

એક તારી : એક તમારી : એક સનાતન રટના. . .

મારી રાતદિવસની ઘટના!

સૂરજ ઊગે ને કિરણકિરણમાં હોય તમારું નામ;

તારાઓની રજકણ ઓથે કોણ છુપાયું આમ?

અમે તમારી માછલીઓ ને અમે તમારા તટના :

મારી રાતદિવસની ઘટના!

પળપળનો વહે કાફલો અહો! તમારે દેશ!

ભૂલેચૂકે પળ છૂટી પડે તો પળ છે પરદેશ.

અમે શ્યામને સોગંદ દીધા મીરાંના ઘૂંઘટના!

મારી રાતદિવસની ઘટના!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : નિરંજન ભગત
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
  • વર્ષ : 1980