raat no samay - Geet | RekhtaGujarati

રાતનો સમય

raat no samay

સુરેશ દલાલ સુરેશ દલાલ
રાતનો સમય
સુરેશ દલાલ

મધુર કોમળ મલયનો લય લઈને વહે રાતનો સમય :

ઉરને મારાં સમણાંનો મય પાય છે અહો! રાતનો સમય!

નીંદવિહોણાં નેણમાં લપાઈ જાગતો રહે રાતનો સમય :

બંધ હોઠોની ગોઠડી મૂગી સુણતો રહે રાતનો સમય!

રાતરાણીની સોડમાં સૂતો, મ્હેકતો રહે રાતનો સમય :

પરોઢિયું કદી થાય એવું ઝંખતો રહે રાતનો સમય!

અંધારની ઓઢી રેશમી રજાઈ ઊંઘતો રહે રાતનો સમય!

તારલી ઊગી : તેજને એના સૂંઘતો રહે રાતનો સમય!

ટ્રેનની તીણી વ્હિસલ થઈ વીંધતો રહે રાતનો સમય :

નાનકા સૂના સ્ટેશન ઉપર ટ્હેલતો રહે રાતનો સમય!

હૉસ્પિટલે અવશ થઈ કણસી રહે રાતનો સમય :

છરી, ચાકુ, ખંજર સાથે વણસી રહે રાતનો સમય!

શ્હેરની કાળી સડક ઉપર ઊજળો ફરે રાતનો સમય :

ટ્યૂબના આંધળા અજવાળામાં ધૂંધળો અરે રાતનો સમય!

શ્હેરના દીવા ગણતો રહે - ભૂલતો રહે રાતનો સમય :

જાહેરાતને પાટિયે પાટિયે ઝૂલતો રહે રાતનો સમય!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : નિરંજન ભગત
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
  • વર્ષ : 1980