raakhnaan ramakadaan - Geet | RekhtaGujarati

રાખનાં રમકડાં

raakhnaan ramakadaan

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
રાખનાં રમકડાં
અવિનાશ વ્યાસ

રાખનાં રમકડાં

મ્હારા રામે રમતાં રાખ્યાં રે,

મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યાં રે

...રાખનાં રમકડાં.

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે

મ્હારું, ત્હારું કહીને એકબીજાને ભાંડે રે.

...રાખનાં રમકડાં.

હે… કાચી માટીની કાયા માથે

માયા કેરા રંગ લગાયા

ઢીંગલા ઢીંગલીએ ઘર માંડયાં. ત્યાં તો વીંજણલા વીંઝાયા રે!

...રાખનાં રમકડાં.

અંત અનંતનો તંત તૂટ્યો, ને રમત અધૂરી રહી,

તનડા ને મનડાની વાતો આવી તેવી ગઈ!

...રાખનાં રમકડાં.

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરીશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021