રાધા
raadhaa
વિજય રાજ્યગુરુ
Vijay Rajyaguru

બેઉ હાથ લંબાવો —
જાત ધરી દઉં આખ્ખે આખ્ખી આલિંગી અપનાવો
હરિવર! બેઉ હાથ લંબાવો...
અડધ ઊંઘતાં અડધ જાગતાં, આવરદા ઓગાળી!
જીવતરના અંધાર તાગતાં, ઇચ્છા બળબળ ભાળી!
હોઠ ઉપરની તરસ લૂંછવા, તગતગ તડકો લાવો!
હરિવર! બેઉ હાથ લંબાવો...
મૃગજળ પાછળ રહ્યાં ભાગતાં, ઝાકળ નયણે ખાળી!
સંબંધો આભાસ લાગતાં, કાય કોકડે વાળી!
નજરુંનો અંધાપો કાપી ઝળહળ સૂર વહાવો!
હરિવર! બેઉ હાથ લંબાવો...
જાત ધરી દઉં આખ્ખે આખ્ખી આલિંગી અપનાવો
હરિવર! બેઉ હાથ લંબાવો...



સ્રોત
- પુસ્તક : જાળિયે અજવાળિયું (પૃષ્ઠ ક્રમાંક 29)
- સર્જક : વિજય રાજ્યગુરુ
- પ્રકાશક : રવિ- મંગલ પ્રકાશન, ભાવનગર
- વર્ષ : 2018