પૂનમ મારી એળે ઊગી
puunam maarii aele uugii
ઉમાશંકર જોશી
Umashankar Joshi
ઉમાશંકર જોશી
Umashankar Joshi
ઊગી ઊગી ઉગમણે આરે પૂનમ મારી એળે ઊગી.
એને ઊગતાં કહેવાય નહીં ના રે, પૂનમ મારી એળે ઊગી
મારા હૈયાની પોયણી ન ખૂલે, પૂનમ મારી એળે ઊગી.
ઊગી ઊગી અમાસને મૂલે, પૂનમ મારી એળે ઊગી.
હું તો ઉગમણે-આથમણે ગોતું, પૂનમ મારી એળે ઊગી.
શાને? એ ના જાણું, ને ઉર રોતું, પૂનમ મારી એળે ઊગી.
હું તો ડાબાજમણી જોઈ થાકી, પૂનમ મારી એળે ઊગી.
ખૂટે તેની રાહ જોઈ આંખ થાકી, પૂનમ મારી એળે ઊગી.
ઉરે તરસી સીપોને નહિ ઠારી, પૂનમ મારી એળે ઊગી.
એને સ્મરણોને મોતીડે ન ભારી, પૂનમ મારી એળે ઊગી.
ઊગી સૌને ઉગમણે આરે, પૂનમ મારી એળે ઊગી.
એક ઊગી આથમણે મારે, પૂનમ મારી એળે ઊગી.
સ્રોત
- પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 37)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2012
- આવૃત્તિ : પુનર્મુદ્રણ
