રઝળપાટ
rajhalpaat
રાજેન્દ્રસિંહ જાડેજા
Rajendrasinh Jadeja

(અર્પણ પ્રિયભાઈ યુલિસિસને)
યુગ યુગથી
આ સતત સફર કરવાના વ્રતનો
આકળ-વિકળ ઉજાગરો વળગ્યો રે—
કોઈ 'બેસ' કહે તો બેસું૦
શ્વાસ શ્વાસની જોજન લાંબી ખેપ
ખેપ લઈ નીકળ્યો'તો હું,
મેઘધનુષી શમણાં લઈને
મત્સ્યપરીની આંખ આંજવા ઉપડ્યો'તો હું,
આ દિશ, તે દિશ
દશે દિશાના દ્વારે ભટક્યો-
સાત-બાત સમંદર-બમંદરમાં ભટક્યો દેશવિદેશ,
'હવે તો બેસ' કહો તો બેસું૦
ફર્યો છું ખૂબ
ફર્યો છું પડશે તેવા દેવાશેની આશા ધરીને,
ફર્યો છું
આંગણથી આકાશ સુધી બસ ભાથામાં વિશ્વાસ ભરીને,
અજાણી આશાઓને
હિમછવયા પર્વત પર
આ અણધારી ખીણોની નક્કર વાગી ગઈ રે ઠેસ,
'હવે તો બેસ' કહો તો બેસું૦



સ્રોત
- પુસ્તક : શાલ્મલી (પૃષ્ઠ ક્રમાંક 6)
- સર્જક : રાજેન્દ્ર જાડેજા
- પ્રકાશક : પરિષ્કૃત પ્રકાશન
- વર્ષ : 1992