punya smran - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પુણ્ય સ્મરણ

punya smran

દલપત પઢિયાર દલપત પઢિયાર
પુણ્ય સ્મરણ
દલપત પઢિયાર

અમને કોની રે સગાયું આજ સાંભરે.

ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે...

કોની રે સગાયું આજ સાંભરે

કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો,

આઘે લેર્યું ને આંબી કોણ ઊઘડે....

કોની રે સગાયું આજ સાંભરે.

આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,

ચલમ તણખા ઊડે રે જૂની ધૂણીએ;

અમને દાદા દેખાય પેલી ડેલીએ...

કોની રે સગાયું આજ સાંભરે.

માડી વાતું રે વાવે ઉજ્જડ ઓટલે,

ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે;

ઊંચે મોભને મારગ કોણ ઊતરે.....

કોની રે સગાયું આજ સાંભરે.

કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,

આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો;

આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ...

અમને સાચી રે સગાયું પાછી સાંભરે.

સ્રોત

  • પુસ્તક : ભોંયબદલો (પૃષ્ઠ ક્રમાંક 111)
  • સર્જક : દલપત પઢિયાર
  • પ્રકાશક : નક્ષત્ર ટ્રસ્ટ
  • વર્ષ : 1982