Punam no Nok - Geet | RekhtaGujarati

પૂનમનો નોક

Punam no Nok

વેણીભાઈ પુરોહિત વેણીભાઈ પુરોહિત
પૂનમનો નોક
વેણીભાઈ પુરોહિત

ઢોલ ઢમક્યાં ને ધરતી ધમધમી,

મારો મઘમઘ ભીનો ચોક :

ઊંચે ઊંચે ચાંદલિયો આભમાં

અને નીચે પૂનમિયાં લોક :

સહિયર! વાગે તે મીઠી મીઠી મોરલીo

સખી! કાંબી ને કડલાં રુમેઝુમે

કાંઈ નકવેસરનો ઝોક :

મેં તો ગુપચુપ જોયું દર્પણમાં

હાંરે લટકું લઈ ગઈ ડોક :

સહિયર! વાગે તે મીઠી મીઠી મોરલીo

સખી! આંખોમાં આંજણ અમાસનાં

અને પંડે પૂનમનો નોક :

અલી, આવી ચંડે જો મારો સાહ્યબો

એને આઘેરો ઓશરીમાં રોક :

સહિયર! વાગે તે મીઠી મીઠી મોરલીo

સ્રોત

  • પુસ્તક : દીપ્તિ (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સર્જક : વેણીભાઈ પુરોહિત
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની પબ્લિશર્સ પ્રાઇવેટ લિમિટેડ, મુંબઈ
  • વર્ષ : 1956