pujari - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘંટના નાદે કાન ફૂટે મારા,

ધૂપથી શ્વાસ રૂંધાય;

ફૂલમાળા દૂર રાખ પૂજારી,

અંગ મારું અભડાય:

નૈવેદ્ય તારું આ!

પૂજારી પાછો જા!

મંદિરના ભવ્ય મહાલો

બંધન થાય મને;

રે, પૂજારી! તોડ દીવાલો,

પાષાણ કેમ ગમે?

પ્રેમનું ચિહ્ન આ!

પૂજારી પાછો જા!

એરણ સાથ અફાળે હથોડા

ઘંટ તણો ઘડનાર;

દિન કે રાત નીંદર લેતો:

(ને) નૈવેદ્ય તું ધરનાર?

ખરી તો એની પૂજા!

પૂજારી પાછો જા!

દ્વાર સાંકડાં કોણ પ્રવેશે?

બ્હાર ખડી જનતા;

સ્વાર્થ તણું મંદિર બાંધ્યું,

પ્રેમ નહિ પથરા:

તું જોને જરા!

પૂજારી પાછો જા!

માળી કરે ફૂલ-મ્હેકતી વાડી,

ફૂલને તું અડ કાં?

ફૂલ ધરે તું: સહવાં એને

ટાઢ અને તડકા!

તે પાપ કે પૂજા?

પૂજારી પાછો જા!

રે, પૂજારી! મંદિર કાજે

મજૂર વ્હે પથરાઃ

લોહીનું પાણી તો થાય એનું

ને નામ ખાટે નવરા!

અરે તું ના શરમા?

પૂજારી પાછો જા!

ખેડૂતને અંગ માટી ભરાતી

અર્ધ્ય ભર્યો નખમાં;

ધૂપ ધર્યો પરસેવો ઉતારી

ઘંટ બજે ઘણમાં:

પૂજારી સાચો આ!

પૂજારી પાછો જા!

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 129)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007