proshitbhartrikanun geet - Geet | RekhtaGujarati

પ્રોષિતભર્તૃકાનું ગીત

proshitbhartrikanun geet

વિમલ અગ્રાવત વિમલ અગ્રાવત
પ્રોષિતભર્તૃકાનું ગીત
વિમલ અગ્રાવત

ગામને પાદર ઝૂલતી પૂનમરાત ને મારા ફલિયે બેઠું ઘોર ઘટાદાર ઘોર અંધારું,

ઉંબરા નામે પ્હાડને ભીંસોભીંસ ભીંસાવે એકલતા ચોપાસ ને માથે આભ નોધારું.

ખાબડખૂબડ પડછાયાના ગોખલે બળે દીવડી નાની રેબઝેબા થૈ હુંય મૂંઝાણી;

મોભના આખા વાંસ હડૂડે, ધડ ધડા ધડ નળિયાં ઊડે, વરસે સાજણ તરસ્યું પાણી;

ભળકારાથી ઝબકી જાગી જાય પારેવાં, હાંફતાં ઘૂં ઘૂં, ફફડે પાંપણ, કેમ હું વારું?

ગામને પાદર ઝૂલતી પૂનમરાત ને મારા ફલિયે બેઠું ઘોર ઘટાદાર ઘોર અંધારું.

તળિયાઝાટક આંખ ને સોણાં દૂર દેશાવર દૂર દરોગા દૂર દેશાવર દૂર ઠેબાણા

ભમ્મરિયે પાતાળ ધરોબી તોય લીલુંછમ્મ ઝાડ બની ગૈ નકટી તારી યાદ રાણા;

રેશમી રજાઈ ઢોલિયે ઢાળી, મોરલા દોરી, આજ આંખેથી ટપકે ટપાક્ કાંઈ ચોધારું.

ગામને પાદર ઝૂલતી પૂનમરાત ને મારા ફલિયે બેઠું ઘોર ઘટાદાર ઘોર અંધારું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1998 (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : જયદેવ શુક્લ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2001