પ્રેમમય ઉપાસ્ય બ્રહ્મ
premmay upasya brahma
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
Manilal Nabhubhai Dwivedi
ઠૂમરી (ખમાયચ)
દૃગ રસભર મોરે દિલ છાઈ રહી.
છાઈ રહી, છલકાઈ રહી. –દૃગ. ૧
ઝાંખ ઝપટ નિદ્રા નવ કાંઈ,
પલક પલટ અણખાઈ રહી; –દૃગ. ૨
પૂર્ણ ભરી મદ મંદવિલાસિની,
નવીન સુધા વરસાવી રહી. –દૃગ. ૩
દુઃખી સુખી વળી વિધવિધ રંગી,
ખલકસુરંગ નચાવી રહી. –દૃગ. ૪
ભીતર બાહેર ઉપર નીચે,
મણિમય મોદ મચાવી રહી. –દૃગ. ૫
સ્રોત
- પુસ્તક : આત્મનિજ્જન (પૃષ્ઠ ક્રમાંક 23)
- સંપાદક : ધીરુભાઈ ઠાકર
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2000
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ