રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
હરિવર મળવા આવ્યા
Harivar Malva Aavya
દિનેશ ડોંગરે 'નાદાન'
Dinesh Dongre 'Nadan'
પ્હોફાટી ને સમણું આવ્યું હરિવર મળવા આવ્યા,
જનમ જનમની દુઃખિયારીના દયણાં દળવા આવ્યા.
જીવતર જેવું જીવતર પણ ના કંઈ મુને જડતું,
આંખો સામે સઘળું તોયે નજરે કાંઈ ન પડતું.
સાવ અમસ્તા દર્શન દઈને પાછા વળવા આવ્યા.
પ્હોફાટી ને સમણું આવ્યું હરિવર મળવા આવ્યા.
સમજણ જેવી સમજણને પણ લાગ્યો જાણે લૂણો,
આમ હરખનો પાર નંઈ ને ભીનો આંખનો ખૂણો.
બસ રિઝાયા આમ જ કે પછી હાલત કળવા આવ્યા.
પ્હોફાટી ને સમણું આવ્યું હરિવર મળવા આવ્યા.
અપલક નીરખું હું હરિને કે હરિવર મુજને જોતા,
હું ભાનમાં આવતી જાતી હરિવર સુધબુધ ખોતા.
છલકાયું છે હેત કે પાછા મનને છળવા આવ્યા?
પ્હોફાટી ને સમણું આવ્યું હરિવર મળવા આવ્યા.
સ્રોત
- પુસ્તક : અખંડ આનંદ (ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૭) (પૃષ્ઠ ક્રમાંક 24)