Harivar Malva Aavya - Geet | RekhtaGujarati

હરિવર મળવા આવ્યા

Harivar Malva Aavya

દિનેશ ડોંગરે 'નાદાન' દિનેશ ડોંગરે 'નાદાન'
હરિવર મળવા આવ્યા
દિનેશ ડોંગરે 'નાદાન'

પ્હોફાટી ને સમણું આવ્યું હરિવર મળવા આવ્યા,

જનમ જનમની દુઃખિયારીના દયણાં દળવા આવ્યા.

જીવતર જેવું જીવતર પણ ના કંઈ મુને જડતું,

આંખો સામે સઘળું તોયે નજરે કાંઈ પડતું.

સાવ અમસ્તા દર્શન દઈને પાછા વળવા આવ્યા.

પ્હોફાટી ને સમણું આવ્યું હરિવર મળવા આવ્યા.

સમજણ જેવી સમજણને પણ લાગ્યો જાણે લૂણો,

આમ હરખનો પાર નંઈ ને ભીનો આંખનો ખૂણો.

બસ રિઝાયા આમ કે પછી હાલત કળવા આવ્યા.

પ્હોફાટી ને સમણું આવ્યું હરિવર મળવા આવ્યા.

અપલક નીરખું હું હરિને કે હરિવર મુજને જોતા,

હું ભાનમાં આવતી જાતી હરિવર સુધબુધ ખોતા.

છલકાયું છે હેત કે પાછા મનને છળવા આવ્યા?

પ્હોફાટી ને સમણું આવ્યું હરિવર મળવા આવ્યા.

સ્રોત

  • પુસ્તક : અખંડ આનંદ (ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૭) (પૃષ્ઠ ક્રમાંક 24)