hari gayo - Geet | RekhtaGujarati

હરિવર મુજને હરી ગયો!

મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી

ગયો!

અબુધ અંતરની હું નારી,

હું શું જાણું પ્રીતિ!

હું શું જાણું કામણગારી

મુજ હૈયે છે ગીતિ!

તો મુજ કંઠે બે કરથી વરમાળા રે ધરી

ગયો!

સપનામાંયે જે ના દીઠું,

જાગીને જોવું!

તે સુખ છે કે દુઃખ મીઠું?

રે હસવું કે રોવું?

ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ કરી ગયો!

હરિવર મુજને હરી ગયો!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 150)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004