સખા રે
Sakha Re
લતા હિરાણી
Lata Hirani

ઓ રે, સખા રે, તું જાણે છે તળને
તું જાણે આંખોનાં જળને, હૈયાંની ખળભળને...
પરપોટા ઊઠતા ને ફૂટતા,
તરે સપાટી પરે
સભર અદીઠું તળ છે આ તો,
પરવા નહીં લગીરે
જળરાશિ છે અભર ભરેલી, સ્થિર કરી દે સળને
તું જાણે છે તળને...
તું જાણે મનની દ્વારિકા,
ટોડલ ને કાંગરિયા
સ્વીકરી લે દેવ અમારી,
રણઝણ આ ઝાલરિયા
મહામંત્ર રે ફળ્યો જીવને, વાંચે તું ઝાકળને
તું જાણે છે તળને...



સ્રોત
- પુસ્તક : ઊગ્યું રે અજવાળું (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : લતા હિરાણી
- પ્રકાશક : ગૂર્જર પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2024