રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપોંખાઈ પાંચ પાંચ વાર
સખીરી! હું તો પોંખાઈ પાંચ પાંચ વાર...
મોઘમ ઉજાગરે પહેલી તે વાર મારી માતાએ લીધાં ઓવારણાં
પોતીકા પંડની ગાગરમાં ઢાંકીને ઊછરતી મૂકેલી ધારણા
કાચી તે માટીને ઘાટ ઘણા દેવા એ થાકી નહીં રે લગાર
સખીરી! હું તો પોંખાઈ પાંચ પાંચ વાર...
બીજી તે વાર મારા બાપુએ પોંખી..., આંખોમાં આંજી ભીનાશ
જીવનની રાહ પર ચેતીને ચાલવા સમજણના સીંચેલા ચાસ
કૂણું તે કાળજું કાઠું કરીને મને તરતી મેલી સામે પાર...
સખીરી! હું તો પોંખાઈ પાંચ પાંચ વાર...
ત્રીજી તે વાર મારા ગુરુએ પોંખી તે નોખા પઢાવેલા પાઠો
જગતને જોવાની જુદેરી આંખોથી ઊકલવા લાગેલી ગાંઠો
નવા નક્કોરિયા ઓઢણ પહેરીને હું તો નીસરી પડી રે બજાર...
સખીરી! હું તો પોંખાઈ પાંચ પાંચ વાર...
ચોથી તે વાર મારા પિયુએ પોંખી ને પ્હેલ કરી પકડેલો હાથ
તે દી'થી આજ લગ અળગો ન કીધેલો ઝંખેલો ભવભવનો સાથ
જાતને ઉલેચું તો લગી રે ઘટે ના વ્હાલપની વણથંભી ધાર...
સખીરી! હું તો પોંખાઈ પાંચ પાંચ વાર...
છેલ્લી તે વાર મેં તો જાતે જ જાતને પોંખી તો પડી ગયો સોપો
કો'ક કો'ક ઠેકાણે વ્હાલનાં વધામણાં ને કો'કે તો તાકી'તી તોપો
પહેલુકડી વાર મારા મનના મંદિરીયે ઝલમલતી જાગી સવાર...
સખીરી! હું તો પોંખાઈ પાંચ પાંચ વાર...
સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ - ઑક્ટોબર 2014 (પૃષ્ઠ ક્રમાંક 123)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન