એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે
ek chhokri sav achank aankho dhale
અરવિંદ ગડા
Arvind Gada

એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે
અને છોકરો નવી નોટનાં પાનાં ફાડે!
સોળ વરસની સાવ કુંવારી લાગણીઓમાં
કેમ ઊઠ્યાં તોફાન કેમ આ ભરતી આવી?
કેમ અચાનક ગમવા લાગ્યા ફૂલબગીચા
કેમ અચાનક અરીસામાં વસ્તી આવી?
રંગરંગની છોળ નવા ઉન્માદ જગાડે
અને છોકરી આમ અચાનક આંખો ઢાળે?
નવી ધડકનો, નવા નિસાસા, નવી નવાઈ
નવી કવિતા, નવી ગઝલ ને નવી રૂબાઈ
અંગઅંગમાં નવી ચેતના નવો મૂંઝારો
દિવસ-રાત બેચેન બનાવે નવી સગાઈ
નવા નવા સંગીત સૂતેલા સાપ જગાડે
જુઓ! છોકરો નવી નોટનાં પાનાં ફાડે!



સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર ૨૦૦૦ – જાન્યુઆરી ૨૦૦૧ (પૃષ્ઠ ક્રમાંક 9)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન