padchhayo - Geet | RekhtaGujarati

કયે ઘૂમટે મુખડાં તેં ઢાંક્યાં,

સોનલ હું તો છેતરાયો;

કઈ રેખાએ ચિત્તર આંક્યાં

સ્નેહલ ભોળો ભરમાયો. કયે૦

હું તો જો’તો જો’તો ને રહ્યો મ્હોતો,

જગાડી પ્રીત પરવશ નાખી;

હૈયું ખોતો ખોતો ને ન’તો જો’તો

લગાડી માયા અણજાણ રાખી;

ક્યું તીર તેં કાળજે તાક્યું?

ઘાયલ હું વણવાગ્યો! કયે૦

હું તો પીઉં પીઉં ને તો તરસ્યો,

અખૂટ પ્યાસ પીવડાવી જાણે.

હું તો કોરો કોરો ને કયો વરસ્યો.

અદીઠ મેહ ભીંજાતા પ્રાણે;

મન ભટકે ઝંખે વણથાક્યું

પાગલ, તારો પડછાયો. કયે૦

સ્રોત

  • પુસ્તક : કાવ્યગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 89)
  • પ્રકાશક : મધુસૂદન વૈદ્ય, આચાર્ય, મ. મા. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
  • વર્ષ : 1964