nawi te wahuna hathman rumal - Geet | RekhtaGujarati

નવી તે વહુના હાથમાં રૂમાલ

nawi te wahuna hathman rumal

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
નવી તે વહુના હાથમાં રૂમાલ
અવિનાશ વ્યાસ

મ્હાલા રે મ્હાલ, લ્હેરણિયું લાલ!

ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ!

નવી તે વહુના હાથમાં રૂમાલ!

લપટી રે ચપટી દેતી રે તાલ,

શરમને શેરડે શોભતા રે ગાલ,

કાવડિયા ચાંલ્લો ચોઢ્યો રે ભાલ. નવી તે.

રાખે રાખે ને ઊડી જાય રે ઘૂમટો,

પરખાઈ જાય એનો ફૂલ ગૂંથ્યો ફૂમટો,

કંઠે તે મ્હેંકતી મોગરાની માળ.

આંખ્ય આડે આવતા વિખરાયા વાળ,

નેણલેથી નીતરે વ્હાલમનું વ્હાલ. નવી તે.

એની પાંપણના પલકારા વીજલડીના ચમકારા,

એના રુદિયામાં રોજરોજ વાગે વ્હાલમના એકતારા.

હિલ્લોળે હાથ જાણે ડોલરની ડાળ,

બોલ બોલ તોલતી વાણી વાચાળ;

જલતી જોબનિયાની અંગે મશાલ! નવી તે.

સ્રોત

  • પુસ્તક : કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો (પૃષ્ઠ ક્રમાંક 175)
  • સર્જક : અવિનાશ વ્યાસ
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006