phoryun aawi - Geet | RekhtaGujarati

ફોર્યું આવી

phoryun aawi

સુધાંશુ સુધાંશુ
ફોર્યું આવી
સુધાંશુ

ફોર્યું રે આવી ને

રાણી! વાતડી કહાવી.

આજ કમળે વનરાઈને મનાવી રે

ફોર્યું રે આવી ને રાણી! વાતડી કહાવી.

નવલા નેજા ને નવી કાડિયું ખોડાણી,

આજ માનવી-નૂરતાની લાખેણ લ્હાણી

ક્લેશ ને કજાને કાઢ્યાં કાળજેથી ખંખેરી;

આજ દુખડાં વળાવ્યાં ખારે પાણી રે!

ફોર્યું રે આવી....

એક રે સન્તનની વાવી ધરતી ગુલાબી,

એની મલ રે પૂરણ આજ પાકી

સંત રે ગયા ને એની સુરભિગંગા રે જાગી,

થાને માનવી સંતમનનો અનુરાગી રે;

ફોર્યું રે આવી....

આસમાન સમા રે મને મગન લાગા રે,

મારા આતમા છે પ્રેમના અતાગા;

રોમ ને રુદિયાના ખોલી જોઉં ઝરૂખા તો,

જડ ને ચેતન થ્યા હરિ-રાગા રે;

ફોર્યું રે આવી....

હાલને બેલડિયે રાણી ઘોડલે ચડીને,

જાઈએ જ્યાં છે શહીદવરના ખાંભા રે;

ધોમ રે તડકામાં એને છાંયડી છવાવા કાજે,

હું તો પાળનાં પાણી ને તું થા આંબા રે;

ફોર્યું રે આવી....

સ્રોત

  • પુસ્તક : સોહમ્ (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સર્જક : દામોદર ભટ્ટ ‘સુધાંશુ’
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1960