mugdhanubhuti! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મુગ્ધાનુભૂતિ!

mugdhanubhuti!

વીરુ પુરોહિત વીરુ પુરોહિત
મુગ્ધાનુભૂતિ!
વીરુ પુરોહિત

હું રોજ બજારે ફૂલ ખરીદવા આવું ને તું છાપું લઈ ઊભે છે!

હું છાબડીએ ઝૂકીને ફૂલ શોધું છું ત્યાં તો

છાપામાં ઉપસી આવે છે પતંગિયાનો ફોટો,

હું અંબોડે ફૂલ ગૂંથું ત્યારે ખબર પડે કે

લીધો છે મેં ગુલાબના ભાવે ગલગોટો,

માલણનું હસવું

કે મારું ત્યાંથી ખસવું

મધમાખીના ડંખ સમું ચૂભે છે!

હું રોજ બજારે ફૂલ ખરીદવા આવું ’ને તું છાપું લઈ ઊભે છે!

જરા અમસ્તું દૂર જતાં જીવ ઝબકી જાતો

ભ્રમ થાતો : કોઈ ગલગોટો સૂંઘે છે,

અમથું એવું લાગે કે કોઈ મને આંતરી

ફૂલ લીધાનું સરનામું પૂછે છે,

હું ફૂલ સાચવી

વાળ ઉછાળી

પાછળ જ્યાં નિરખું છું, તો તું રૂમાલથી ચશ્મા લૂછે છે!

હું રોજ બજારે ફૂલ ખરીદવા આવું ’ને તું છાપું લઈ ઊભે છે!

સ્રોત

  • પુસ્તક : અગિયારમી દિશા (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સર્જક : વીરુ પુરોહિત
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2000