haDdolo - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આવતાં ને જાતાં લાગ્યો ઝોલો-

જીવને લાગ્યો તારો ઝોલો,

આછો પ્રીતનો હડદોલો,

આંજ્યો આંખમાં અખંડ તેં ઉજાગરો અજાણી લાલ!

લાગી બરછી લાલ લપાતી,

લઈને ઘાયલ ચૂતી છાતી,

લઈને આંખ ઉજાગર રાતી,

તારી પલવટને પડછાયે ભમતો બાવરો અજાણી લાલ!

પલવટ દાડે ચડતી ઝોલે,

પલવટ રાતે ચડતી ઝોલે,

મારું મન ભરમીલું ડોલે-

જેવો મહુવરના નાદે રે મણિધર ડોલતો અજાણી લાલ!

મેં તો પગલે સુરતા સાંધી,

પગલી નગરગલી વંકાતી,

પગલી વનવગડે અંકાતી,

તારું પગેરું ખોવાણું રણની રેતમાં અજાણી લાલ!

તું ક્યાં રે લાવી તાણી?

આગળ ઝાંઝવાંનાં પાણી,

પાછળ ઝાંઝવાંનાં પાણી,

તારી શોધી ના જડે રે કો એંધાણી હો અજાણી લાલ!

દાડે રેતીના પથારા!

રાતે અગનપલીતા તારા!

વચમાં મહોબતના મિનારા-

એની ટોચે મારી ઝંખનાની જ્વાલા હો અજાણી લાલ!

સૂરજ-ચંદર રાણા થાશે.

અનગળ સમદરજલ શોષાશે,

મારી મીટ કદી મિચાશે -

ઢુંઢી રેશે અનહદ કાલના કિનારા હો અજાણી લાલ!

સ્રોત

  • પુસ્તક : પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સર્જક : બાલમુકુન્દ દવે
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1991
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ