એમેય અને તેમેય
aemey ane temey
ઉશનસ્
Ushnas
એમેય હણ્યો, તેમેય હણ્યો,
પ્રેમે મને આવતાં જતાં બેઉ પા ઓ રે હણ્યો!
કરવત જેનું નામ – મને બસ
ઠૂણકું લાકડું ગણ્યો. — એમેય૦
ભરતી હો કે ઓટ, અરેરે ભરતી હોય કે ઓટ,
ઉઝરડાઈ નીંગળ્યો ઓ રે સોળ ઊઠ્યા તીરે ચોટ;
પોચી મટોડી જોઈ રે મને
કાંકરી કાંકરી ખણ્યો. — એમેય૦
વસંત હોય કે પોષ, અરેરે વસંત હોય કે પોષ,
ફૂલ ખીલે કે ખરે, મારે બેઉ બાજુનો શોષ,
કરોળિયા જેમ જંતને તંતથી
તાણે ને વાણે વણ્યો. — એમેય૦
સપન હોય કે ગીત, અરેરે સપન હોય કે ગીત,
વિચાર હોય વમળ, રહેતું ચિંતાચમક્યું ચીત,
પળપળનો રોમાંચ દીધો ને
રૂં રૂં કાતરી લણ્યો. — એમેય૦
સ્રોત
- પુસ્તક : વેદના એ તો વેદ (ઉશનસનાં ગીતો) (પૃષ્ઠ ક્રમાંક 50)
- સર્જક : ઉશનસ્
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2001
- આવૃત્તિ : (પ્રથમ આવૃત્તિ)