રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
અભાનોર્મિ
abhanormi
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
Manilal Nabhubhai Dwivedi
(કાફી)
ગગને આજ, પ્રેમની ઝલક છાઈ રે, ગગને આજ પ્રેમની૦
પૃથિવી રહી છવાઈ,
પરવતો રહ્યા નાહી,
સચરાચરે ભરાઈ રે. – ગગને૦
ભૂત ને ભવિષ્ય ગયા.
વર્તમાન સર્વ થયા,
એકમાં અનેક રહ્યા રે. – ગગને૦
કીડીથી કુંજર સુધી,
ગળી ભેદબુદ્ધિ ઊંધી,
વાટડી અભેદ સુધી રે. – ગગને૦
વાદ ને વિવાદ ગળ્યા,
ઝેર વિખવાદ ટળ્યા,
જુદા સહુ ભેગા મળ્યા રે. – ગગને૦
વ્રત જોગ તપ સેવા,
જૂઠા છે પ્રસાદ મેવા,
પંડિતો વેદાંતી તેવા રે. – ગગને૦
ધનભાગ્ય તેનાં જેણે,
પ્રેમ પી નિહાળ્યો નેણે,
સુખને શું કે’શે વેણે રે. – ગગને૦
સાંભળશે કોણ કે’શે?
શા થકી વખાણી લેશે?
ન કહો કે’વાઈ રે’શે રે! – ગગને૦
પ્રેમ જે કહી બતાવે,
પ્રેમ જે કરી બતાવે,
મણિ તેને મન ભાવે રે. – ગગને૦
સ્રોત
- પુસ્તક : મણિલાલ દ્વિવેદી સંચય (પૃષ્ઠ ક્રમાંક 173)
- સંપાદક : ધીરુભાઈ ઠાકર
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2002