Prem Ma Padeli Chhokari Nu Geet - Geet | RekhtaGujarati

પ્રેમમાં પડેલી છોકરીનું ગીત

Prem Ma Padeli Chhokari Nu Geet

મણિલાલ હ. પટેલ મણિલાલ હ. પટેલ
પ્રેમમાં પડેલી છોકરીનું ગીત
મણિલાલ હ. પટેલ

અમ્મર ભમ્મર આવળિયાને પીળાં પચરક ફૂલ કે છોરો પાતળિયો…

ઘમ્મર ભમ્મર છાતી વચ્ચે નજર મળ્યાં–ની શૂળ કે છોરો પાતળિયો...

કાળાં ડમ્મર વાદળ કેશલ ગોરી ચમકે વીજ

ચોમાસુ કહે ક્યાં માશું–ની ઊગી પહેલ્લી બીજ…

અલકમલકમાં ઝરણાં દોડ્યાં... ઝરણે ઝરણે કલરવ કેરી ઝૂલ કે છોરો પાતળિયો...

છમ્મક છમ્મક છાતી વચ્ચે ઢોલ થયો છે 'વાત્ય કર્યા'–ની ભૂલ કે છોરો પાતળિયો…

ઝરમર ઝરમર ટેકરીઓને સ્પર્શ નામનું ઘાસ

આંખોમાં દર્પણ જોયાનો ફરી વળે આભાસ

ડળક ડળક કૈં આંસુ વરસે, આંસુનાં ના મૂલ કે છોરો પાતળિયો...

અમરખજમરખ દીવા બળતા, રોમ રોમ છે ડૂલ કે છોરો પાતળિયો...

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑગસ્ટ, 1980 (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ