prayan-ghadi - Geet | RekhtaGujarati

પ્રયાણ-ઘડી

prayan-ghadi

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
પ્રયાણ-ઘડી
સ્નેહરશ્મિ

જો પશ્ચિમ કેરે દ્વાર નમણી સાન્ધ્ય પ્રભા,

વિલસે ત્યાં ઊંડે આભ રંગની સૌમ્ય છટા.

સંધ્યાના ઘેરા બોલ પડે તુજ કાને કે?

નભ તારકના સંદેશ નયન તુજ વાંચે કે?

તુજ ધામ હજી અતિ દૂર હજી પથ આઘે રે!

વચમાં તો ગંભીર-નીર સાગર ગાજે રે!

હોડી જો છેલ્લી એક ઊભી તુજ માટે રે,

વહે આતુર સૌમ્ય સમીર સંધ્યા ઘાટે રે!

જો ક્ષિતિજની રેખા દૂર દીસે ત્યાં ઝાંખી રે,

છે જવાનું તેની પાર રાત વટાવી રે!

ઊગે ત્યાં ઊંડે આભ ઝાંખો તારો રે,

કરી દૃષ્ટિ તે પર થીર પથ જો તારો રે!

હવે જુદા આપણ પંથ સીમા આવી રે,

ઘડી નીરખી લે ભોમ દીન અમારી રે!

રે! સૂનાં અમ ફૂલ, સૂનો આરો રે,

નહિ ડગવો સૂની ભોમ આત્મા તારો રે!

ભરશે પ્રભુ પ્રેમની જ્યોત પંથ પ્રકાશે રે,

રે! વિરાટ કેરા ઘાટ સ્વાગત ગાશે રે!

નહિ રજની આંસુ સાર, દિશાઓ રોશો મા

પ્રયાણ-ઘડી અભિરામ! પાછું જોશો મા!

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941