pethabhai premman paDya tenun geet— - Geet | RekhtaGujarati

પેથાભૈ પ્રેમમાં પડ્યા તેનું ગીત—

pethabhai premman paDya tenun geet—

નયન હ. દેસાઈ નયન હ. દેસાઈ
પેથાભૈ પ્રેમમાં પડ્યા તેનું ગીત—
નયન હ. દેસાઈ

લાગણીઓના દેશમાં જાણે સાવ છલોછલ ધ્રાસકા પડ્યા:

એમ પેથાભૈ પ્રેમમાં પડ્યા:

જીવસટોસટ ધબકારાઓ છેક આંખોએ જઈને અડ્યા:

એમ પેથાભૈ પ્રેમમાં પડ્યા:

આંખ તો કેસરવર્ણું જોતી થઈ ને ઊગી

આંખમાં પ્રતીક્ષાની ક્યારી

આંખ સામે હોય ભીંતના જેવી ભીંત

ને એને થાય : છે ખુલ્લી ફટાક બારી

સાંજના ઝાંખા પડછાયા જોઈ થાય કે

તો હેઈ! ટોળાબંધ મોરલા ઊડ્યા:

એમ પેથાભૈ પ્રેમમાં પડ્યા:

આમ તો એને નીંદર આવે પણ નીંદરમાં શમણું,

શમણે પાલવ કોઈનો ઊડે

યાદનો આછો બૂડબુડારો થાય અચાનક

જળમાં જેમ કળશ્યો બૂડે

ફૂલની દાંડી સહેજ ચૂમીને ઝાકળ ફોરાં

ફૂલથી સરી ધૂળમાં દડ્યાં

એમ પેથાભૈ પ્રેમમાં પડ્યા:

સ્રોત

  • પુસ્તક : મુકામ પોસ્ટ માણસ
  • સર્જક : નયન દેસાઈ