maithun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મવ્વર વજાડતા દીઠા ગારુડીને રોમ રોમ ફેણૈયા ડોલ્યા

ફેણૈયા ડોલ્યા ને અણિયારી ઘુઘરીના ઝમ્મ ઝમ્મ ઝાંઝરિયાં બોલ્યાં.

ડોલ્યાના વાયરે નાગ રે પાંચમના ઝબક્યા ને કોડિયાં બૂઝાણાં

[ચોખાની ચીતરેલ નાગણ અજાણ પણ ફેણૈયા કાટમાં ઝલાણા

પાદર પસાયતાના પડછંદા ગાજે ચોખાના ચીતર્યા લૂટાણાં

મવ્વરની ફાટમાં ફેણૈયો ફાટફાટ

પૂજેલા દેવયે લૂંટાણા]

ત્યાં ઝમ્મ ઝમ્મ અણિયાળાં બોલ્યાં.

રોમ રોમ ફેણૈયા મવ્વર વજાડતા ને ગારુડી ફેણ બની ડોલ્યાં.

ગારુડી ફેણ બની ડોલ્યા ફેણૈયે તો મંતરના ડાયરાયું બોલ્યા.

સાથળિયે રાફડાશાં કીધાં પોલાણ માંય વખના ગબ્બાર એવા છોડ્યા

ગારુડી ગરુઘેરા અફીણિયાંમાં પોઢ્યાં

છોડ્યાં સૌ ગાન ને છોડ્યાં સૌ તાન ત્યાં મવ્વર ઝાંઝરસમું બોલ્યા

કે કંચકને રોમ રોમ અણિયાળી ઘુઘરીના ઝમ્મઝમ્મ મવ્વરિયાં બોલ્યાં

કે ઝમ્મઝમ્મ મવ્વરિયાં ડોલ્યાં

મવ્વર વજાડતા દીઠા ગારુડીને ઝમ્મઝમ્મ ફેણૈયા ડોલ્યા

ફેણૈયા ડોલ્યા ને ડોલ્યાના હેતમાં રોમ રોમ ઝાંઝરિયાં બોલ્યાં

સ્રોત

  • પુસ્તક : પ્રથમ સ્નાન (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સર્જક : ભૂપેશ અધ્વર્યુ
  • સંપાદક : મૂકેશ વૈદ્ય, જયદેવ શુક્લ, રમણ સોની
  • પ્રકાશક : ધીરેશ અધ્વર્યુ
  • વર્ષ : 1986