jui - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,

ભટૂરિયાં શા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય,

ખીલે છે જૂઈ ત્યારે,

તેને ગમતું અંધારે.

માનવ દુનિયાને છોડી સ્વપ્નોને સંસારે જાય,

સમીર કેરી લ્હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય,

જૂઈ જતી રમવા ત્યારે,

તેને ગમતું અંધારે.

પવન તણી સંગાથે રમતી કોઈ વેળ સંતાકૂકડી,

સંતાતી એ, ને આવીને વાયુ લે પળમાં પકડી;

ઘડીક તેની સાથે જાય,

મળતાં લાગ ફરી સંતાય.

તારા જો આભે હસતા તો ધરણી પર જૂઈ મલકાય:

શાને હસતાં? એવી તે શી બન્ને વચ્ચે વાતો થાય?

પ્રભાત સાથે શું નવ વ્હાલ?

ઘેર જતી રે કાં, શરમાળ?

સ્રોત

  • પુસ્તક : આજ અંધાર ખુશબોભર્યો લાગતો (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : વિનોદ જોશી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002