chandaliyo - Geet | RekhtaGujarati

ચાંદલિયો

chandaliyo

દીપકબા દેસાઈ દીપકબા દેસાઈ
ચાંદલિયો
દીપકબા દેસાઈ

રાગ-સારંગ, તાલ-હીંચ,

(ઢાળ: 'વા વાયા ને વાદળ ઉમટ્યાં' )

ઝગઝગતો આભલિયે ભાળ્યો,

રઢ લાગી ત્હેની માત!

રમવા આપોને મા! મ્હને ચાંદલિયો!

હઠ ત્યાગો ને મ્હારા લાડકડા!

નભમંડલ કેમ પ્હોંચાય?

રમવા આપોને મા! મ્હને ચાંદલિયો!

બહુ કહાનકુવર કલ્પાંત કરે!

આંસુડાં વહે ચૉધાર,

રમવા આપોને મા! મ્હને ચાંદલિયો!

જે અવની ભાર ઊતારન્તા,

તે ભૂમિ પર લોટાય;

રમવા આપોને મા! મ્હને ચાંદલિયો!

આક્રંદ સુણી મા વિવશ બન્યાં,

જળ ભરીને મૂકયુ પાત્ર;

રમવા આપોને મા! મ્હને ચાંદલિયો!

પ્રતિબિંબ નિહાળી સુધાકરનું,

મન રીઝ્યા નંદકુમાર;

રમવા આપોને મા! મ્હને ચાંદલિયો!

યદુકુલદીપકની બાળલીલા

વર્ણવતાં ના’વે પાર;

રમવા આપોને મા! મ્હને ચાંદલિયો!

સ્રોત

  • પુસ્તક : રાગબત્રીશી (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : દીપકબા દેસાઈ
  • પ્રકાશક : ધી ઍલાઈઝ સ્ટોર્સ
  • વર્ષ : 1931