pratham snan - Geet | RekhtaGujarati

પ્રથમ સ્નાન

pratham snan

ભૂપેશ અધ્વર્યુ ભૂપેશ અધ્વર્યુ
પ્રથમ સ્નાન
ભૂપેશ અધ્વર્યુ

આદમ હવ્વા ભેળો ન્હાય

લાંબી લાંબી દાઢી, મઈંથી અમરત નીસર્યું જાય

ત્યાં તો, હાય…

જનાજો જાય, જનાજો જાય.

ગનાની કેરી-ચીકુ ખાય.

હવ્વાની પાંખડીઓ તોડી ડિલે વીંટતો જાય.

એકમેકને એકમેકના પરસેવાઓ પાય.

ત્યાં તો, હાય…

જનાજો જાય, જનાજો જાય.

લાંબી લાંબી દાઢી વચ્ચે ટાબરિયાં ટીંગાય.

અસનાને અસનાને ટેણાં ટાબરિયાં ટીંગાય.

ગનાની કેરી-ચીકુ ખાય, ગનાની સૌને વ્હેંચી જાય.

સવાદે ટાબરિયાં ખાય, ભેળાં ‘કપલંગિ’ કરતાં જાય.

દાઢીમાંથી નીકળ્યો કીર્સન રાધા ભેળો જાય.

આદમ હવ્વા ભેળો ન્હાય.

ત્યાં તો, હાય…

જનાજો જાય, જનાજો જાય.

જનાજો દાઢી વચ્ચે મલક્યો, તો દાઢીમાંથી છલક્યો

તો દેશ-દિશાવર ફરક્યો

એણે વણઝારાને લૂંટ્યા.

એણે ભીખારાંને કૂટ્યાં

એનાં પાણીડાં ના ખૂટ્યાં

વોય, વોય, હાય…

જનાજો જાય, ગનાની કેરી-ચીકુ ખાય.

સ્રોત

  • પુસ્તક : પ્રથમ સ્નાન (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સર્જક : ભૂપેશ અધ્વર્યુ
  • સંપાદક : મૂકેશ વૈદ્ય, જયદેવ શુક્લ, રમણ સોની
  • પ્રકાશક : ધીરેશ અધ્વર્યુ
  • વર્ષ : 1986