
ઓઢી આષાઢનાં આભલાં
જંપી જગની જંજાળ,
જાગે એકલ મોરી ઝંખના
મધરાતને કાળ;
દેવી! આવોને મારી દેરીએ.
કાળી નિશા કેવળ કમકમે
નથી કંપતા વાય,
પગલાં તમારાં પોકારતી
પાંપણ ઊઘડે બિડાય.
દેવી! આવોને મારી દેરીએ. ૧૦
પ્રેમે પખાળું પાવન પાવલાં
રેલી નયણાંની ધાર,
સમાધિનાં છે સિંહાસનો,
મેલ્યા મંથન થાળ
દેવી! આવોને મારી દેરીએ.
વાધીવાધીને વેદન વલવલે,
ઊડે કંઠમાં આગ,
રમતા આપો હો ઋતંભરા!
મોરી રટણાને રાગ.
દેવી! આવોને મારી દેરીએ. ૨૦
કલ્પનાનો છૂટો કનકવો
ઢૂંઢે વ્યોમની કોર,
આવો અંબા! એને બાંધવા
દિવ્ય દૃષ્ટીના દોર
દેવી! આવોને મારી દેરીએ.
ધૂણી ધખે મારા ધૈર્યની,
જલતું જીવન કાષ્ઠ,
આભની પારનાં આભલાં
જોવા આપો પ્રકાશ,
દેવી! આવોને મારી દેરીએ. ૩૦
પોકારતા કોટિ કોશથી
બળતા ધરતીના બાગ,
કલ્યાણી, આપો કેડી બની
ઝૂરતા ઝરણાને માગ.
દેવી! આવોને મારી દેરીએ.



સ્રોત
- પુસ્તક : પ્રતીક્ષા (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : રમણિક અરાલવાળા
- પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
- વર્ષ : 1960
- આવૃત્તિ : (પુનર્મુદ્રણ)