rananun pranaygit - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાણાનું પ્રણયગીત

rananun pranaygit

સૌમ્ય જોશી સૌમ્ય જોશી
રાણાનું પ્રણયગીત
સૌમ્ય જોશી

મારી પટરાણી ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઇને ઊપસી આવ્યા ક્હાન, તમે શા માટે?

મેં તો મારી બંધ આંખમાં મીરાં નામે અજવાળાને મ્યાન કર્યું’તું.

એને સોળ કળાએ શણગારીને રાજમહેલ અજવાળે ફરમાન કર્યું’તું.

મેવાડી ધરતીની ઉપર જીવસટોસટ રમતાં પેલી મશક જોઈને થાતું, ચાલો મીરાં લગ પહોંચાશે.

રાજમહેલની સોડમ થઈને પથરાયેલા રાજરાણીના ભરત ભરેલા પાલવ લગ પહોંચાશે.

મીરાં લગ પહોંચેલા મારા મેવાડી રસ્તાઓ આજે વળાંક લઈને સૂંઘે છે વેરાન હવે શા માટે?

મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઊપસી આવ્યા ક્હાન, તમે શા માટે?

એક વાર બસ મીરાં મારી રાહ જોઈને રાજમહેલનાં કમાડ આડે ઊભી રહી’તી.

ને પરદેશેથી આરસની એક નંદકુંવરની મૂરત મુજને લા’વાનું કહી ગઈ’તી.

મારી અંદર બળતા સૂનકારનાં કમાડ આડે મૂરત થઈને યુગો યુગોથી હું ઊભો છું.

મારાં સમણાંઓની હાંફ વેરતી સાંઢણીઓ પર સવાર થઈને યુગો યુગોથી હું ઊભો છું.

ને યુગો યુગોથી મીરાં તારા સ્વર્ણનગરમાં એકલવાયી ભટકે ભૂલી ભાન હજુ શા માટે?

મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઊપસી આવ્યા ક્હાન, તમે શા માટે?

ક્હાન તું એને કહેજે મારા રુદિયા પરના શિલાલેખના ભૂંસાયેલા અક્ષર એની રાહ જુએ છે.

ને મારી માફક કાલિંદીના કાંઠે પેલી રાધા નામે એક અજાણી, માધવ, તારી રાહ જુએ છે.

હવે ફરીથી ગોકુળ જઈ ગોવાલણની મટકી ફોડે, તો ક્હાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું.

એની તરસ ભીંજાણી આંખોમાં રાણાજીનો કિસ્સો ખોળે તો ક્હાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું.

મારી આશાઓની ફૂટેલી મટકીની પર એક જોગણી રાજપાટને ઠોકર મારી ધરી રહી છે ધ્યાન હજુ શા માટે?

મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઊપસી આવ્યા ક્હાન, તમે શા માટે?

સ્રોત

  • પુસ્તક : ગ્રીનરૂમમાં (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સર્જક : સૌમ્ય જોશી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008