પ્રણયનાં દાન
pranaynan daan
જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર
Janardan Nanabhai Prabhaskar

હું તો યૌવનને આંગણે ઉભી,
પ્રણયનાં દાન લેવા :
હું શું જાણું જગતની ખૂબી,
પ્રણયનાં દાન લેવા :
હતી સખી ગુંથતી મુજ વેણી,
પ્રણયનાં દાન લેવા :
તહીં આવી સવારી એ’ની
પ્રણયનાં દાન લેવા :
હું તો થઈ અન્તરમાં રાજી,
પ્રણયનાં દાન લેવા :
નહિ જાણું એની શી બાજી,
પ્રણયનાં દાન લેવા :
એણે દાબી સખીની આંખ ઝૂમી,
પ્રણયનાં દાન લેવા :
અને આપી મ્હને એક ચૂમી :
પ્રણયનાં દાન લેવા :
ગઈ સખી એ સમજી સીત્કારે,
પ્રણયનાં દાન લેવા :
સ્મરી હસતી હજી ય તે અત્યારે,
પ્રણયનાં દાન લેવા :
કરૂં કોની કને પ્રેમદાવા,
પ્રણયનાં દાન લેવા :
મ્હને મળજો એવા નિત લ્હાવા,
પ્રણયનાં દાન લેવા!



સ્રોત
- પુસ્તક : શરદિની (પૃષ્ઠ ક્રમાંક 11)
- સર્જક : જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1984