mari sathe aawo - Geet | RekhtaGujarati

મારી સાથે આવો...

mari sathe aawo

કૃષ્ણ દવે કૃષ્ણ દવે
મારી સાથે આવો...
કૃષ્ણ દવે

મારી સાથે આવો...

લ્યો પહેરી લ્યો પવનપાવડી શબ્દોની, છંદોની, લયની,

ગીતોના પરિશુદ્ધ પ્રણયની,

હું દેખાડું નર્તન એનું, જેની રૂમઝૂમ પગલીઓમાં તમેય તાલ મિલાવો.

મારી સાથે આવો...

ત્યહીં દૂર દખણાદા તટ પર પનિહારીશી કૈંક વાદળી હેત ભરે

જાણે પનઘટ પર, મમતાથી ભરપૂર નીકળે, વરસે, જેની ઉપર

વરસે પળભરમાં તો ન્યાલ કરી દે, કેવળ માલામાલ કરી દે.

છત છોડી નીકળો, નીકળો પથ્થર દૂર હટાવો.

મારી સાથે આવો...

જરા કાન દઈને સાંભળજો પર્વતની ભીતર ભીતર ક્યાંક કશીક

તૈયારી ચાલે, પ્હેલાં લીલીછમ ઘટનાઓ પછી અચાનક ખળખળ

વ્હેતા જળની એક સવારી ચાલે,

પૃથ્વી જેનો લેપ કરીને અંતરને નિર્લેપ કરે છે

એવા જળની વચ્ચે જઈ દળનું તિલક લગાવો.

મારી સાથે આવો...

સ્રોત

  • પુસ્તક : વાંસલડી ડૉટ કૉમ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : કૃષ્ણ દવે
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2005