હોઠ હસે તો
hoth hase to
હરીન્દ્ર દવે
Harindra Dave

હોઠ હસે તો ફાગુન
ગોરી! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.
તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;
એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.
અણુ જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ,
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;
તવ શ્વાસોનો સ્પર્શ
હૃદય પર મલયલહર મનભાવન.
કોઈને મન એ ભરમ, કોઈ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા, પ્રિય, માણી એવી પ્રીત;
પલપલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન.



સ્રોત
- પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 9)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
- વર્ષ : 1984
- આવૃત્તિ : બીજી આવૃત્તિ