tedan - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મોરલાનાં નોતરાં આવ્યાં

- મેઘરાજ!

વર્ષાને મોકલો!

આઠ આઠ માસ રહી આભના પિયરમાં,

સાસરિયાં સામું નથી જોયું;

મેઘરાજ! વર્ષાને મોકલો!

હોંસભરી વાદળીઓ હીંચતી હુલાસમાં,

ઘૂમે છે વીજ વ્હાલસોયું;

મેઘરાજ! વર્ષાને મોકલો!

વનની વનરાઈ ઓલા વાદળિયા દેશમાં,

નજરું નાખે ને કાંઈ જોતી;

મેઘરાજ! વર્ષાને મોકલો!

ઝરણાંએ ગીત ખોયાં ડુંગરની કન્દરે,

થાકી એને હું ગોતી ગોતી;

મેઘરાજ! વર્ષાને મોકલો!

વાયુને હૈયે સૂર હલકે મલ્હારના,

ઘનઘન પથરાય વીજ-જ્યોતિ!

મેઘરાજ! વર્ષાને મોકલો!

સાસરને વાટ એને વ્હાલથી વળાવજો,

જગવગડે વેરશે મોતી;

મેઘરાજ! વર્ષાને મોકલો!

ધરણીનાં નોતરાં આવ્યાં

- મેઘરાજ!

વર્ષાને મોકલો!

(અંક ૨૨૩)

સ્રોત

  • પુસ્તક : કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 97)
  • પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
  • વર્ષ : 1991