rajagro - Geet | RekhtaGujarati

ઘઉંના ખેતરમાં ઊગ્યો રાજગરો,

ઘઉંના ખેતરમાં ઊગ્યો રે લોલ.

રેશમને ફૂલડે ફાલ્યો, રાજગરા,

સુંવાળે ફૂમતે ફાલ્યો રે લોલ!

ઘઉં તો ઘૂંટણિયાં તાણે, રાજગરા,

તારી ઊંચેરી ડોક સોહે રે લોલ,

લીલુડા ખેતરે રાતી રાજગરા,

રૂપાળી કલગી મોહે રે લોલ.

માઘના પવન કૈં પીધા રાજગરા,

તારો તે મદ ના સમાતો રે લોલ,

જોજે જોબનને ઝોલે, રાજગરા,

અમથું અધિક હરખાતો રે લોલ.

ફાગણની ફૂંક બે'ક વાતાં, રાજગરા,

ઊડી સૌ ફૂમતાં જાશે રે લોલ,

ઊંચી કાય ઢળી જાશે રાજગરા!

ઘઉંનાં ખેતર લ્હેરાશે રે લોલ.

આઘી બજારે જાતાં રાજગરા,

તારો તે ભાવ શો પુછાશે રે લોલ?

ઉપવાસી કોક લેશે રાજગરો,

ઘેર ઘેર ઘઉં મૂલવાશે રે લોલ!

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 603)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007