Ke Aaj Have Chomasu Bethu - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કે આજ હવે ચોમાસું બેઠું

Ke Aaj Have Chomasu Bethu

જતીન બારોટ જતીન બારોટ
કે આજ હવે ચોમાસું બેઠું
જતીન બારોટ

ઢોલ વગડાવી લાપશીના મૂકો એંધાણ,

ગોળધાણે મોઢું તે કરો એઠું

કે આજ હવે ચોમાસું બેઠું.

હવે મારી જેમ ખેતરને હાશ થશે હાશ,

અને કૂવાને ઓડકાર આવશે.

કાગળની હોડી ને અબરખની કોડી,

એવા તે દિવસો લાવશે.

આભ ફાટીને આજ પડ્યું હેઠું.

કે આજ હવે ચોમાસું બેઠું.

કૂવા તો ઠીક હવે બેડાંની સાથસાથ,

નમણી વહુવારુઓ ધરાશે.

બેડાં નહીં ને તું ભીંજવશે છોરીઓ,

તરસ્યા તે છોકરાઓ થાશે.

વરસે છે મઘ જેવું મેઠું.

કે આજ હવે ચોમાસું બેઠું.

સ્રોત

  • પુસ્તક : કવિતા : ઑક્ટોબર – નવેમ્બર ૨૦૦૧ (પૃષ્ઠ ક્રમાંક 111)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન